શ્રી કટારીયાજી મહાતીર્થનો ભવ્ય ભૂતકાળ
તીર્થમાં ભ્રમણ કરે તેનું ભવભ્રમણ ઘટી જાય છે. વર્તમાનના હીલ સ્ટેશનો ડુબાળનારા છે. જ્યારે નાનું એવું પણ જૈન તીર્થ ભવસાગરથી તારનારું છે. ઉચ્ચભાવના, એકાગ્રતા, શાંતિ, સંયમ, તપ અને આત્મશુધ્ધિ પૂર્વક તીર્થયાત્રા કરવામાં આવે તો પ્રત્યેક યાત્રી માટે પ્રેરક બને અને જન્મજન્માંતરના ભ્રમણનો અંત આણનાર બની જાય.
ખમીરવંતા કચ્છ મંડલના અનોખા વાગડ પંથકમાં ધર્મભાવનાના ઓજસ્ પાથરનાર અતિભવ્ય અને પ્રાચીન એવા શ્રી કટારીયાજી જૈન તીર્થના રોમાંચક અને હ્રદયદ્રાવક ભૂતકાળ તરફ એક નજર કરીએ…
કચ્છના શૂરવીર રાજવી લાખા ફ્લાણીના રાજકાળ પૂર્વે અહીં આનંદપુર નામનું એક વિશાળ – સમૃધ્ધ શહેર હતું. જેમાં આજના કટારીયા અને વાંઢીયા બંને ગામ સમાયેલા છે. દેશના સૌથી ભયાનક દુષ્કાળ સમયે દરેક રાજ્યના લોકોને પુરતું અનાજ વિ. પુરું પાડી જીવનદાન દઈ ઈતિહાસના સુવર્ણપૃષ્ઠો પર દાનેશ્વરીની કીર્તિ પ્રાપ્ત કરનાર, જગતપાલક, જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી જગડુશાના ભવ્ય પ્રસાદો આ નગરમાં હતા. શહેરમાં અનેક કરોડાધિપતિઓની ગગનચુંબી હવેલીઓ હતી. સુખ અને સમૃધ્ધિથી સોહામણું આ શહેર પણ કાળચક્રની ઝાપટમાં આવી ગયું.
સંસ્કૃતિ, જ્ઞાન અને ઐશ્વર્યથી વિશ્વવિખ્યાત બનેલા ભારત વર્ષના પ્રારબ્ધ એનો ભૂતકાળ વિદેશીઓનાં સતત આક્રમણ – લૂંટફાટ – દેવસ્થાનો પર હીચકારા હુમલા અને નરસંહારથી ખરડાયેલો રહ્યો છે. જાહોજલાલીથી પ્રખ્યાત બનેલું આનંદપુર શહેર પણ ધર્મઝનુની મુસ્લીમ રાજાઓના ક્રૂર આક્રમણનો ભોગ બન્યું. હુમલાઓ થવા માંડયાં. દોલત લુંટવા આવેલા યવનોએ લુંટફાટની સાથે સાથે ભવ્ય ઈમારતોને, હિન્દુ અને જૈન મંદિરોને પણ નાશ કરવાના પ્રયત્નો કર્યા. સ્થાનીક પ્રજાજનોનો મોટો ભાગ જીવ બચાવવા ત્યાંથી નાશી છૂટયો. આનંદપુર શહેરના બે ભાગ પડી ગયાં. કટારીયા અને વાંઢીયા બંને ગામોનાં નામ પાછળ પણ રસપ્રદ ઈતિહાસ છે.
આનંદપુરના ઉત્તરભાગમાં એક મસ્તફકીર બાવાજી રહેતા હતા. જે ઘેટાં – બકરાં પાળવાનો ધંધો કરતા. પોતાના પશુઓને રાખવા માટે એણે એક વિશાળ વાડો ઉભો કર્યો હતો. વાગડમાં આવા વાડાને “વોઢ” કહેવામાં આવે છે. જ્યારે આનંદપુ શહેર ઉપર શત્રુઓ ચડી આવ્યા અને લડાઈ થઈ ત્યારે રાજા બેભાન થઈ ઢળી પડયો, આ સમયે બાવાજીએ ઉત્તરવિસ્તારમાં અત્યંત બહાદુરીથી સામનો કરી શત્રુઓને તોબા તોબા પોકરાવ્યા. પણ પછી બાવાજી ઘાયલ થઈને પડયા. અને શત્રુઓ આનંદપુરને લુટીને નાઠા “વોઢ” વાળી જે જગ્યા પર બાવાજીનું વીરતાભર્યું લોહી છંટાયુ હતું. ત્યાં ફરીથી જે ગામ વસ્યું એનું નામ “વાંઢીયા” પડયું.
આનંપુરના દક્ષિણભાગમાં જ્યારે શત્રુઓએ હુમલો કર્યો અને લડાઈ ચાલી રહી હતી, ત્યારે સિંહાણ જેવી એક ક્ષત્રિયાણી હાથમાં ખુલ્લી કટારી લઈને ખુલ્લા કેશે રણમેદાનમાં કુદી પડી, હુમલાખોરોએ આ સ્ત્રીના પતિને મારી નાખ્યો હતો. પતિના મૃત્યુનું વેર લેવા હત્યારા એવા સેનાપતિને એ શોધી રહી હતી, આખરે એ વીરાંગનાએ પતિના હત્યારાને ઓળખી લીધો, ઘોડેસ્વાર એવા એ સેના પતિને નીચે પછાડી એની છાતી પર એ ચડી બેઠી, એક હાથ જેટલી લાંબી અને તિક્ષણ કટારી સેનાપતિની છાતીમાં હુલાવી દીધી. શત્રુની સાથે ઘાયલ થયેલી એ બહાદુર ક્ષત્રિયાણી પણ વિરગતિને પામી, આનંદપુરમાં સ્મશાનવત્ શાંતિ ફેલાઈ ગઈ. કટારીથી કરેલ શૌર્યની યાદમાં આ ગામનું નામ “કટારીયા” પડયું. એ બહાદુર યાદમાં ગામ બહાર ખાંભી બંધાઈ.
આવી વિષમ પરિસ્થિતિમાં અહીંના ભવ્ય જિનાલય ખંડિત થતાં એમાં બીરાજમાન, ચરમ શાસનપતિ, તરણતારણહાર, શ્રી મહાવીર સ્વામી જે મોગલ બાદશાહ અકબરના પ્રતિબોધક જગતગુરુ શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રસિધ્ધ શ્રી વિજય સિંહસૂરીશ્વરજી મહારાજન વરદ હસ્તે સત્તરમાં સૈકામાં વિ.સ. ૧૬૪૧માં પ્રતિષ્ઠિત થયેલ, આ પ્રતિમાજીને સંવત્ ૧૮૭૫ની આસપાસ વાંઢીયા ગામના જિન મંદિરે સ્થાપિત કરાઈ. કટારીયા ગામના શેષ શ્રાવકોએ આ પરમાત્માને કટારીયા લાવી પુનઃ સ્થાપિત કરાવવાના અવારનવાર પ્રયત્નો કર્યા પણ એમની મનોકામના વર્ષો સુધી પૂર્ણ ન થઈ.
‘Archeological Servey of Western India’ પુરાતત્વ ખાતાની મોજણીને આધારે મળતી માહિતી અનુસાર આજે પણ વાંઢીયા અને કટારીયા વચ્ચેના માર્ગોમાં ખોદકામ કરતાં ભવ્ય ઈમારતોના ભગ્ન અવશેષો, બાવન જિનાલયના અવશેષો, દેવકુલિકાઓના પાયા, કોતરણીવાળા નાના મોટા પથ્થરો વગેરે મળી આવે છે. અવશેષો પરથી પ્રતીત થાય છે કે એ સમયે ભવ્ય જિનાલય લગભગ ૫૦ ફૂટના ઘેરાવામા હશે.
વિક્રમ સંવત ૧૯૭૭ની સાલમાં પૂ. મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ વાંઢીયામાં ચાતુર્માસ રહ્યા હતા. તે દરમિયાન તેમને કટારિયા જવાની કોઈ અગમ્ય અંતરસ્ફુરણા થઈ. તેમણે કટારીયાની મુલાકાત લીધી. કોઈ દેવી પ્રેરણાથી એમના હ્રદયમાં આ પ્રાચીન અને ભવ્ય તીર્થનો જીર્ણોધ્ધાર કરવાનો સંકેત થયો. સંઘના ભાઈઓનો આનંદસભર સહકાર મળ્યો. અને જિર્ણોધ્ધારનું કાર્ય શરૂ કર્યું.
સં. ૧૯૭૮ની સાલમાં પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજયજી મ.સા. શ્રી સંઘ સાથે પરમાત્માને લેવા વાંઢીયા પધાર્યા. શાસ્ત્રોકતવિધિ કર્યા બાદ પરમાત્માને ઉત્થાપન કરવા માટે જ્યાં હાથ અડાડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ત્રણ લોકનાં નાથ, કરૂણા સાગર, અમીઝરતી દ્રષ્ટિવાળા, ૩૫ ઈંચના શ્વેત પાષાણના શ્રી મહાવીર સ્વામી ભગવાન જમીનથી અધ્ધર થઈ ગયાં. પ્રાચીન તીર્થમાં પોતાના મૂળ સ્થાને પહોંચવા જાણે તત્પર હોય – ઉતાવળા હોય એમ ફુલોના ગુચ્છાની જેમ વજનમાં સાવ હળવા બની હાથોમાં ઉંચકાઈ ગયા. આ દ્રશ્ય જોઈ સર્વ આશ્ર્વર્ય પામી ગયા. આંખોમાં હર્ષન આંસુ છલકાવા માંડયા, સંઘ નાચી ઉઠયો. પૂજય ગુરુભગવંતે આ જોઈ ઘોષણા કરી કે આવા હાજરાહજુર પરત્માનું સાનિધ્ય સર્વ માટે મંગલકારી સાબિત થશે. ત્યારબાદ ખૂબ જ ધામધૂમ અને અપૂર્વ હર્ષોલ્લાસ સાથેફ આ પરત્માની શ્રી કટારીયા તીર્થમાં અક્ષય તૃતીયાના શુભ દિવસે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. માલીયાના ઠાકોર સાહેબ શ્રી તથા શેઠ શ્રી અમૃતલાલ જાદવજીના સહકારથી આ પ્રસંગ યાદગાર બન્યો.
પ્રતિષ્ઠા પછી થોડા દિવસો બાદ ફરી એક આશ્ર્વર્ય જોવા મળ્યું. રાત્રિના સમયે આકાશમાંથી ગેબી અવાજ આવવા માંડયા, વીજળી થવા લાગી, રૂમઝુમ કરતા માઁ ચક્રેશ્વરી વાહન સાથે ગર્ભગૃહમાં પધાર્યા. ભક્તોના દુઃખ દર્દ હરનારા માતાજી પરમાત્મા સામે બેસી ભક્તિ કરવા લાગ્યા. નોબતો વાગવા માંડી, બાવન વીર અને છપ્પન દિકકુમારી બધા ભેગા મળી પ્રભુની ભક્તિમાં એકતાન બની ગયાં. સંવંત ૧૯૭૯ ના દિવ્ય પ્રસંગે પરમાત્માના અસીમ પ્રભાવ અને અચિંત્યશક્તિનું પ્રતિબિંબ ભક્તજનોના હ્રદયમાં સ્થાપિત કરી દીધું.
પરત્માની પુનઃ પ્રતિષ્ઠા બાદ તીર્થનો વહીવટ માળીયાન જૈન શ્રેષ્ઠી શ્રી અમૃતલાલ જાદવજી મહેતાના કુશળ હાથોમાં આપ્યો. એમની ધગશ અને કુશળતાના કારણે તીર્થનો વિકાસ ઉત્તરોત્તર થતો હતો.
તીર્થ પ્રણેતા પૂ. મુનિશ્રી કનકવિજયજી મ.ના શિષ્ય પૂ.મુ. શ્રી ગુલાબવિજયજી મ. તથા સચ્ચારિત્ર ચૂડામણી પ.પૂ. આચર્ય ભગવંત શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ની પાવાન નિશ્રામાં કચ્છ – અબડાસા – કાઠીયાવાડ અને વાગડની વિશાલ સંખ્યામાં ઉપસ્થિતિમાં સંવત્ ૧૯૯૩ના મહા સુદ ૧૫ ના શુભ મુહૂર્તે અન્ય જિનબિંબો – યક્ષયક્ષિણીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.
પરમાત્માની પ્રતિષ્ઠા બાદ એક આશ્ર્વર્યકારક બનાવ ગામમાં બન્યો. ગામની નદીમાં વરસાદના દિવસો ગયા બાદ પાણી રહેતું ન હોતું. તેથી વીરડાનું પાણી વપરાતું જે ખારું હતું, પરંતુ પ્રતિષ્ઠા બાદ વીરડાનું પાણી મીઠું બની ગયું. મીઠું પાણી બે માઈલ દૂરથી લાવવું પડતું પણ હવે સદા માટે બધાને આ વીરડાનું મીઠું પાણી મળતું થઈ ગયું.
આ કટારીયા ગામ એના ભવ્ય જિનાલયને લીધે આકર્ષણનું કેન્દ્ર તો છે જ પરંતુ આ કટારીયા ગામની પણ પોતાની એક ઓળખ છે. જૈનોની સાથે સાથે અન્ય ધર્મીઓ માટે પણ આસ્થા અને આદરનું એક પવિત્ર સ્થાન છે.
ગામની ભાગોળે તળાવના કાંઠે ભાવેશ્વર મહાદેવનું મંદિર છે. જેનું શિવલિંગ અતિ પ્રાચીન છે. કહેવાય છે કે અલ્લાઉદ્દીન ખીલજીએ કટારીયાને લૂંટવા તથા તોડવા પ્રયત્ન કર્યા. શિવલિંગ પર પ્રહાર કરી બે કાણા પાડયા ત્યારે એક કાણામાંથી દૂધ અને એક કાણામાંથી લોહી નીકળવા માંડયું. આ ચમત્કાર જોતાં જ ભયભીત બનેલો એ ત્યાંથી નાઠો, બે કાણાના એ નિશાન આજે પણ ત્યાં પ્રત્યક્ષ દેખાય છે. અને અનેક ચમત્કારો અનુભવાય છે. ગામમાં સુંદર રામજી મંદિર છે. ગામની પૂર્વ દિશાએ નદીને પેલે પાર ક્ષેત્રપાલ દાદાનું મોટું ધામ છે. જ્યાં અનેક જૈન કુટુંબો લગ્નબાદ છેડા - છોડી છોડવા આવે છે. ગામમાં પ્રસંગોની યાદ રૂપ અનેક ખાંભીઓ છે.
કટારીયા ગામની પાસે જ દેવળબાઈનું એક મંદિર છે. જે બાજુના ગામ રાજસ્થલીમાં રહેનારી હતી. કહેવાય છે કે એના શાપથી જૈનો કટારીયામાંથી હિજરત કરી અન્ય સ્થળે ચાલી ગયા હતા. ધીરધારનો ધંધો કરતા કટારીયાના એક વણીક અહીં વેપાર વિ. કરતા હતા. એક દિવસ આ વણિકે રાજસ્થલી જઈ દેવળબાઈ પાસેથી બાકી રહેલ લેણાની પઠાણી ઉઘરાણી કરી, ગામ લોકોએ ખૂબ સમજાવ્યા હતા. શેઠ ન માન્યા ત્યારે આ દેવળ નામની ચારણ કન્યાએ પોતાના હાથે મસ્તક કાપી નાંખીને તેનું લોહી છાંટવા શેઠ પાછળ દોડી મસ્તક નીચે પડી ગયું. પણ ધડ દોડતું કટારીયા પહોંચ્યું. ત્યાં ધડ પણ નીચે પડી ગયું. અને શેઠને શાપ આપ્યો કે તમે કટારીયા છોડી જાઓ નહીંતર દુઃખી થઈ જશો અને પોતાને કુળદેવી તરીકે સ્થાપિત કરો. ત્યારથી આ શેઠના વંશજો ગોરાણી વાણિયા કહેવાય છે. અને માળિયા – મોરબી વિગેરે પ્રદેશોમાં રહે છે. તથા દેવળબાઈને કુળદેવી તરીકે માન આપે છે. એના નવદંપતીઓ છેડા – છેડી છોડવા અહીં આવે છે એમણે કુળદેવીનું સુંદર મંદિર પણ બનાવ્યું છે.
આ મંદિરની બાજુમાં મોમાઈમાતાનું શિખરબંધ મંદિર છે. જ્યાં કાયાણી કુળના જાડેજાઓ છેડા – છેડી છોડવા આવે છે. ગામમાં પટેલોની વસ્તી સારી છે, ધર્મશાળા અને ભોજન શાળાની સુવિધા સાથે મહાકાલીનું મંદિર છે. લોહાણા ભાઈઓનું દરીયાસ્થાન અને પટેલો નું ગણેશમંદિર છે. દક્ષિણ બાજુએ મુસ્લીમોમાં થઈ ગયેલ સંત ફકીર પડલશાપીરની દરગાહ છે.
અનેક ધર્મસ્થાનોથી રમણીય કટારીયાગામ યાત્રીકો – દર્શનાર્થીઓની અવરજવરથી ધમધમતું રહે છે.
ફરી પ્રકૃતિએ કરવટ બદલી સંવત ૨૦૫૭માં વિનાશક ધરતીકંપ આવ્યો. કેટલાયે ગામો સંપૂર્ણ પામ્યાં, આપણાં પ્રાણપ્યારા તીર્થને પણ ઘણું નુકશાન થયું. સદ્નશીબે મૂળનાયક પરમાત્માને કાંઈ આંચ ન આવી. પરંતુ ખંડેર જેવી હાલતમાં ફેરવાયેલા આ પ્રાચીન મહાન તીર્થને નવજીવન કેમ બક્ષવુ? કરૂણાનિધિ, પ્રાંતઃવંદનીય, અધ્યાત્મયોગી પૂ. આચાર્ય ભગવંત વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. આ સમયે પાવાપુરી – રાજસ્થાનમાં હતાં. પૂજ્ય ગુરુદેવને પ્રકૃતિના તાંડવનૃત્યના – અકલ્પ્ય વિનાશના – બેસુમાર ખાના ખરાબીના – અસહ્ય નુકશાનના આ સમાચાર મળ્યાં. ગુરુદેવનું હ્રદય રડી ઉઠયું. અસર પામેલા સર્વને રાહત મળે એની સત્વરે વ્યવસ્થા કરાવી. મિનીટોમાં કરોડો રૂપિયાનું ફંડ થઈ ગયું. નુકશાન ગ્રસ્ત દરેકને મદદ ખૂબ જ ઝડપથી પહોચે એ માટે તાકીદ કરાઈ. કટારીયાજી તીર્થના સમાચાર મળતાંજ ટ્રસ્ટીઓ અને જવાબદાર અધિકારીઓને બોલાવી મૂળ જગ્યાએ જ મંદિરના નવનિર્માણ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો. દીર્ઘદ્રષ્ટી અને જેમના રોમરોમમાં સર્વ જીવો માટે કરૂણા વહી રહી હતી, એવા પરમ પરમાત્મકભકત પૂ. ગુરુદેવે કટારીયા ગામ્ની રાશી પ્રમાણે નવનિર્માણ પામનારા જિનાલયમાં કલ્પવૄક્ષ સમા – જગત તારણહાર – સર્વ વિધ્નોનો નાશ કરનારા એવા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનને મૂળનાયક દેવાધિદેવ તરીકે બીરાજમાન કરવાનું સૂચન કર્યું.