બોર્ડિંગ અને વિદ્યાલય

શ્રી કટારીયાજી તીર્થનો વહીવટ સંભાળતી શેઠ વર્ધમાન આણંદજીની પેઢીના પ્રમુખ માળીયા નિવાસી શેઠ શ્રી અમૃતલાલ જાદવજી મહેતાની પ્રબળભાવના અને અથાગ મહેનતથી તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી વાગડ જેવા શિક્ષણમાં પછાત પ્રદેશમાં સંવત્ ૧૯૯૮માં “શ્રી વર્ધમાન જૈન બોર્ડીંગ અને વિદ્યાલય” નામે વિદ્યાતીર્થની સ્થાપના થઈ.

૪ વિદ્યાર્થીથી શરૂઆત થઈ પરંતુ શુકલપક્ષના ચન્દ્રમાની જેમ વધતી સંખ્યા ૨૫૦ સુધી પહોંચેલ. વર્તમાન સમયે ગામોગામ સ્કુલ હાઈસ્કુલો થવા છતાં આ બોર્ડીંગ અને વિદ્યાલય અવિરત પણે વિદ્યાના ક્ષેત્રમાં આગેકૂચ કરી રહી છે. આજ સુધીમાં આ સંસ્થામાંથી સેંકડો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને શૈક્ષણિક – ઔદ્યોગિક – સામાજીક – રાજકીય આદિ વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી વાગડ સમાજનું ગૌરવ વધાર્યું છે.

ધાર્મિક સાથે વ્યવહારીક શિક્ષણમાં આ સંસ્થા વિકાસ પામી રહી છે. ઉચ્ચ અભ્યાસ તથા વિજ્ઞાનપ્રવાહ – આઈ.ટી. ક્ષેત્ર માટે ભૂજ અને અમદાવાદ મુકામે સંસ્થાની શાખા (બ્રાન્ચ) ખોલવામાં આવી છે. સંસ્થાનું ટ્રસ્ટીમંડળ પણ બાળકો માટે જરૂરી આધુનિક સગવડો ઉભી કરવા માટે સક્રિય છે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં આજુબાજુના અનેક ગામોના વિદ્યાર્થીઓ લાભ થઈ રહ્યા છે.