યાદગાર પ્રસંગો

૧) શ્રી કટારીયાજી તીર્થના જિનાલયનાં ભોંયરામા વિ. સંવત્ ૨૦૧૧ ની સાલમાં પૂ.આ.ભ. કનકસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી નમિનાથ ભગવાન આદિ પાંચ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ.

૨) વિ. સંવત્ ૨૦૧૮ની સાલમાં સચ્ચારિત્રચૂડામણિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ઉપધાન તપની આરાધના થયેલ.

૩) આ પવિત્ર તીર્થભૂમિમાં વિ.સં ૨૦૨૦ની સાલમાં ભદ્રમૂર્તિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરિ મ.સા.નો આચાર્ય પદપ્રદાન મહોત્સવ સમસ્ત કચ્છ – વાગડના શ્રી સંઘોની ઉપસ્થિતિમાં ઉજવાયેલ.

૪) અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં વિ.સં. ૨૦૩૯ની સાલમાં ૨૭ સમુહ દીક્ષાનો ભવ્યાતિભવ્ય વિક્રમ સર્જક પ્રસંગ ઉજવાતા તીર્થના ઈતિહાસમાં સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો.

ઉપરાંત કટારીયા તીર્થમાં ચૈત્રી ઓળીઓ, છ’રી પાલિત સંઘો, શિબિરો વગેરે અનેક ધાર્મિક પ્રસંગોને કારણે તીર્થનું વાતાવરણ ધર્મમય બનવા પામ્યું છે.

શ્રીયુત્ શેઠ શ્રી અમૃતલાલ જાદવજી મહેતા પછી તીર્થનો વહીવટ ભચાઉ હાલ ભૂજ નિવાસી શ્રી અમૃતલાલ દલીચંદ મહેતા (એ.ડી. મહેતા) એ પણ પોતાના જીવનની અંતિમક્ષણો સુધી સંભાળી તીર્થ વ્યવસ્થા અને વિકાસમાં પોતાના પ્રાણ પૂર્યા છે. શ્રીયુત્ એ.ડી. મહેતાને કચ્છ – વાગડ ભૂલી નહીં શકે.

વૈયાવચ્ચનું ઉમદા કાર્યઃ
કચ્છ – વાગડમાંથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે સુરજબારીનો બ્રીજ થઈ જવાથી કચ્છથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ સાધુસાધ્વીજી ભગવંતના વિહારો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. પૂ. સાધુ – સાધ્વીજી ભગવંતોને રણ ઉતરવા માટે વચ્ચે સુરજબારી અને હરીપર મુકામે રોકાણ કરવું પડે છે. શેઠ વર્ધમાન આણંદજીની પેઢી તરફથી બંને સ્થળે સુંદર ઉપાશ્રયોની સગવડતા તેમજ ગોચરીપાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિવર્ષ બધા જ ગચ્છો અને સંપ્રદાયના સાધુ – સાધ્વીજીની ભક્તિ – વૈયાવચ્ચનો અનુમોદનીય લાભ પેઢીને મળે છે.